December 6th 2007

ગ્રામ્ય પ્રદેશમાં – એક અવલોકન

        શહેરથી થોડેક દુરના પ્રદેશ આગળથી અમે પસાર થઈ રહ્યા હતા. એક રેન્ચમાં ગાયો ચરતી હતી. ત્યાં અડાબીડ ઘાસ ઉગેલું હતું. રેન્ચના પાછળના ભાગમાં, તારની વાડની  પાર, માલીકનું સરસ મજાનું કોટેજ હતું. તેના આગળના ભાગમાં બહુ સરસ રીતે કાપેલી અને સાચવેલી લોન પણ દેખાતી હતી. શહેરની ચહલ-પહલથી સાવ અળગું પડી જતું આ દ્રશ્ય હતું.

      બે જાતના ઘાસ જોઈ મન વીચારે ચડી ગયું…..

———————————————————–

     જે અડાબીડ અને અવ્યવસ્થીત લાગતું હતું; તે ઘાસ કોઈ જીવોને જીવન ગુજારવા કામ લાગતું હતું, તેના થકી કેટલાય લોકોને દુધ પણ મળવાનું જ ને.

      જે ઘાસ નયનરમ્ય હતું, તેની આંખો  ઠારવા કે એક શણગાર સીવાય કોઈ ઉપયોગીતા ન હતી.

      મને થયું – મારી સરખામણી કયા ઘાસ સાથે થઈ શકે?

December 3rd 2007

એ.સી.એસ.આર. – એક અવલોકન

એ.સી.એસ.આર.
         આ સંક્ષીપ્ત નામ મારા જુના વ્યવસાયમાં સંકળાયેલા લોકોને તો સાવ પરીચીત છે, પણ ઘણાને તેની ખબર નહીં હોય. પાવર લાઈનમાં બહુ જ વપરાતો વાયરોનો આ એક પ્રકાર છે. તેમાં અંદરના ભાગમાં પોલાદ( સ્ટીલ) અને બહારના ભાગમાં એલ્યુમીનીયમ વપરાય છે. અંદર રહેલા પોલાદના વાયરો તેને ખેંચાણની તાકાત આપે છે, જ્યારે વીજ પ્રવાહ મોટેભાગે બહાર રાખેલા એલ્યુમીનીયમના વાયરોમાંથી પસાર થાય છે.

—————————————————–

હાથીના દાંત ચાવવાના જુદા અને દેખાડવાના જુદા?!

કે પછી…..

वज्रादपि कठोराणि, मृदूनि कुसुमादपि
तथैव सुमनसां वृत्ति:, वामदक्षिणयोरिव॥

[ ડાબા અને જમણા પાસાંની જેમ સજ્જનોનાં મન અલગ અલગ પાસાં ધરાવતાં હોય છે.
તેમનાં મન વજ્રથી પણ કઠોર અને ફુલથી પણ કોમળ હોય છે. ]

આવી ઉપમા વાપરીને કવીતા બનાવી હોય તો?

December 1st 2007

જેટનો ધુમાડો – એક અવલોકન

     મને વાદળો જોવાં બહુ ગમે. જાતજાતના આકાર તેમાં કલ્પી શકાય. એક દીવસ ઉનાળાની ધોમધખતી બપોરે થોડાં વાદળો આકાશમાં હતાં. એક વાદળની ઉપર થઈને પસાર થઈ ગયેલા જેટ વીમાનનો ધુમાડો દેખાતો હતો. લાંબો લીસોટો, અને નીચે ઠીક ઠીક મોટું વાદળું. જાણે અલાદ્દીનના ચીરાગમાંથી અગરબતીની ધુમ્રસેર નીકળતી હતી. આ દ્રશ્ય આમ તો ઘણી વાર જોયું હતું ,

પણ …..

 ———————————————————

         મીનીટથીયે ઓછા સમય પહેલાં આ ધુમાડાનો આગળનો ભાગ એક અત્યંત ગરમ, બળબળતો અને અત્યંત દબાણવાળો વાયુ હશે. તેની થોડી જ સેકન્ડ પહેલાં તો તે પ્રવાહી બળતણ જ હતું. જ્યારે એ ધુમાડો જેટ એંજીનની અંદર હતો ત્યારે તેનામાં કેટલી તાકાત હતી? આટલા વજનવાળા જેટ વીમાનને ધક્કો મારી શકે તેટલી તાકાત. અને હવે તો તે સાવ નીર્વીર્ય થઈ ગયો હતો – ધોળો બખ્ખ, નીસ્તેજ. એ ઉંચાઈએ વાતાવરણની ઠંડીના કારણે તેમાં બધા જલબીંદુઓ હીમકણોમાં કદાચ ફેરવાઈ ગયા હતા. અને સાવ શાંત લાગતા પ્રવાહી બળતણમાં ભરેલી શક્તી દેખાતી હોય છે?

        આપણી અંદર પણ શક્તીનો આવો અખુટ ખજાનો ભરેલો છે. માત્ર તેને વાપરી શકે તેવા કોઈ એન્જીનની જ આપણને જરુર હોય છે. અને એ એન્જીન છે – સંકલ્પનું બળ.

November 30th 2007

રોલર કોસ્ટર – એક અવલોકન

      અમારે ત્યાં આર્લીંગ્ટનમાં છ- વાવટા ( Six Flags !) રોલર કોસ્ટર રાઈડની મજા આપતી કમ્પની છે. એક જ વાર અને તે પણ, એક નાના જ રોલર કોસ્ટરમાં બેઠો હતો. ફરી બેસવાની હીમ્મત રહી નથી !

     ધીરે ધીરે તેની ટ્રેન આપણને ઉપર લઈ જાય અને પછી, કોઈ બ્રેક વગર આખી ટ્રેન પાટા પરથી સરકાવી દે. પુરઝડપે આપણે પડતા જ જઈએ. વળી પાછા ઉપર ચડીએ. ગોળ ઘુમરીઓ પણ ખવડાવે. પણ છેવટે તો હતાં ત્યાંના ત્યાં પહોંચી જવું પડે.

——————————–

    આ જીવન પણ એક રોલર કોસ્ટર જ નથી? ઉપર ચઢવાનું બહુ ધીરે થાય છે. પણ … ઉતરાણ, ક્ષણીક ચઢાણ, ઘુમરીઓ એ તો બહુ ઝડપથી, વીના કોઈ પ્રયત્ને થતાં હોય છે. અને તે અનુભવ કાળજાને કોરી નાંખે છે, વલોવી નાંખે છે. એક ક્ષણ માટે ઉપર ચઢ્યા, ન ચઢ્યા અને પાછા ઉતરવું જ પડે. એ વીહંગમ દ્રશ્ય સતત તો શું, માણી શકાય તેટલી વાર પણ રહી શકતું નથી.

    અને છેવટે તો મુળ ઘેર પાછા જવું જ પડે છે. ત્યાં કોઈ ગતી નથી- કોઈ ચઢવા- ઉતરવાનું નથી. અને આપણું તે જ તો કાયમી ઘર છે. ભારતીય દર્શનો પ્રમાણે, ફરી એ લ્હાવો લેવો હોય તો ફરી જન્મની ટીકીટ લેવી પડે છે!

       પણ જે બાળક છે, કે બાળકની જેમ રહી શકે છે, તે તો આ ચઢવા- ઉતરવાને પણ, તેની પ્રત્યેક ક્ષણને માણે છે. કાશ ! આપણે આખુંય આયખું બાળકની જેમ આ રોલર કોસ્ટરને, આ ચકરાવાને માણી શકીએ.

November 29th 2007

આદુ કચરતાં – એક અવલોકન

      અહીં દરરોજ ચા બનાવવાનું મારું કામ. અને મને તે ગમે પણ ખરું હોં!  છ વર્શમાં મારો હાથ પણ સારો એવો બેસી ગયો છે. એકધારી ‘સુરેશ જાની ‘ બ્રાન્ડ ચા બને! હું ચામાં કચરેલું આદુ અને ઇલાયચી નાંખું છું. ઈલાયચીનો પાવડર તો મારાં પત્નીએ તૈયાર રાખેલો હોય છે;  પણ આદુ કચરવાની મારી આગવી શૈલી છે! હું આદુને ચપ્પુથી સમારી પાતળી ચીરીઓ કરું; અને પછી સાંડસીથી કચરી, ગરમ થતા પાણીમાં નાંખું. દીવસમાં બે કે ત્રણ વાર ચા બને. દરેક વખતે આદુ કચરવાની આ જ રીત.

      લે કર વાત! આમાં શી ધાડ મારી?

———————————————–

    પણ તે દીવસે આદુ કચરતાં વીચારવાયુ ઉભરાયો! મને થયું : ‘આ આદુને કચરું છું તેના કરતાં બેકયાર્ડમાં પોચી માટીની સરસ ક્યારી બનાવી, તેમાં ખાતર નાંખી, રોપું તો કેવો સરસ મઝાનો છોડ થાય ? અને બે ત્રણ મહીનામાં તો ખાસ્સા નવા આદુ પણ મળે. મહામુલા ડોલરની કેવી બચત થાય?

     વાપરવું સહેલ છે, સંવર્ધન કરવું જ કઠણ છે. પણ સંવર્ધનથી જ નવરચના થાય છે ને ? 

     અને આ નીર્જીવ લાગતા આદુમાં ય બચાડો કોઈ જીવ તો છે જ ને? આ સુક્ષ્મ હીંસા જ કરી ને ? રસોડામાં બધી સામગ્રી પર નજર નાંખી તો એક માત્ર મીઠું જ નીર્જીવ ચીજ જણાયું. અને તે ય જ્યારે અગરમાં બન્યું હશે, ત્યારે ભરતી સાથે આવી ગયેલા પાણીની સાથે કેટલા ય દરીયાઈ જીવ પણ ફસાયા જ હશે ને? એ બધાની આહુતી આપ્યા વગર આ મીઠું ય બની શકે ખરું?

      આ દુધ વાપરીએ છીએ, તે ય શું સાચે સાચ અહીંસક છે? કોને માટે કેવા અગમ્ય પ્રેમથી પ્રકૃતીએ તે બનાવ્યું, અને કોણ તે વાપરે છે?

      શું જીવનના પાયામાં જ હીંસા છે? કેવળ અહીંસા શક્ય છે ખરી?