December 6th 2007

ગ્રામ્ય પ્રદેશમાં – એક અવલોકન

        શહેરથી થોડેક દુરના પ્રદેશ આગળથી અમે પસાર થઈ રહ્યા હતા. એક રેન્ચમાં ગાયો ચરતી હતી. ત્યાં અડાબીડ ઘાસ ઉગેલું હતું. રેન્ચના પાછળના ભાગમાં, તારની વાડની  પાર, માલીકનું સરસ મજાનું કોટેજ હતું. તેના આગળના ભાગમાં બહુ સરસ રીતે કાપેલી અને સાચવેલી લોન પણ દેખાતી હતી. શહેરની ચહલ-પહલથી સાવ અળગું પડી જતું આ દ્રશ્ય હતું.

      બે જાતના ઘાસ જોઈ મન વીચારે ચડી ગયું…..

———————————————————–

     જે અડાબીડ અને અવ્યવસ્થીત લાગતું હતું; તે ઘાસ કોઈ જીવોને જીવન ગુજારવા કામ લાગતું હતું, તેના થકી કેટલાય લોકોને દુધ પણ મળવાનું જ ને.

      જે ઘાસ નયનરમ્ય હતું, તેની આંખો  ઠારવા કે એક શણગાર સીવાય કોઈ ઉપયોગીતા ન હતી.

      મને થયું – મારી સરખામણી કયા ઘાસ સાથે થઈ શકે?

December 5th 2007

કનોઈંગ – એક અનુભવ [ ભાગ - 2 ]

      એકલા જ આવ્યા મનવા!, એકલા જવાના,
      સાથી વિના, સંગી વિના, એકલા જવાના.
     – ‘ બેફામ’

     અમે સાવ હતાશ થઈને નદીની વચમાં ઉભા હતા. પટ ખાસ્સો પહોળો હતો. નજીકમાં કોઈ કનો દેખાતી ન હતી. પવન પણ સારો એવો હતો, અને અમારાં કપડાં ભીનાં હોવાને કારણે ઠંડી પણ લાગતી હતી. બપોરના બે વાગી ગયા હતા. હલેસાં મારવાનો અને વારંવાર કનોને સીધી કરવાનો શ્રમ કરેલો હતો, એટલે કકડીને ભુખ પણ લાગી હતી. જોરદાર થાક પણ લાગેલો હતો. કોઈ તારણહાર મળી જાય તેવી મનમાં પ્રાર્થના કરતા હતા.

   અને છેવટે ઉપરવાળાએ અમારી આ વીનંતી સાંભળી. દુરથી એક કનો આવતી દેખાઈ. તેના ચાલકો તરવરીયા જુવાનો હતા. તેમની કનો એક બાજુના કીનારાની પાસેથી જતી હતી. અમે બની શકે તેટલી મોટી બુમો પાડી, પણ તેમના સાંભળવામાં ન આવી અને અમારી તરફ તેમની નજર પણ ન હતી. એ કનો તો રીસાયેલી રમણીની જેમ જતી રહી. થોડી વારે બીજી દેખાણી. પણ તે ય અમારી પાસે ન ઢુંકી.

      પહેલા પહેલા જુગમાં રાણી ! તું હતી પોપટી ને અમે રે પોપટ રાજારામના….

      એ ગીતની જેમ ચાર ચાર કનો આવી પણ … સાથે ન હાલી, મારી સાથ, રાણી પીંગળા !  …. જેવું થતું રહ્યું. અમે છેલ્લા તબક્કાના વીચારો કરવા લાગ્યા. હું અને જય એક કીનારે નદી ઓળંગી બેસીએ, અને ઉમંગ નદીના પટમાં ચાલતો ચાલતો, કોઈ કનોવાળાને બોલાવી  લાવે; તેવો મહત્વનો નીર્ણય લેવાણો !  જય તો બીચારો રડું રડું, પણ પાક્કી કાઠીનો, તે ચુપ અને સુનમુન થઈને ઉભેલો. તેને ખાવા માટે સાથે લાવેલા કુકી તો ફેંકી દેવા પડ્યા હતા; માત્ર પીવાના પાણીની ત્રણ બોટલો જ હતી. અમને જયની એટલી બધી દયા આવે, પણ શું કરી શકીએ?

     અને ત્યાં બે કનો અમારી થોડી નજીકથી પસાર થઈ. તેમાં એક ઉમ્મરલાયક માણસ, તેની પત્ની અને બે બાળકો હતાં. તેમની નજર અમારી ઉપર પડી. એ સજ્જન અમારાથી થોડે દુર બન્ને કનો પાર્ક કરી અમારી પાસે આવ્યા. તેમને આ કનો- શાસ્ત્રનો ઠીક ઠીક અનુભવ હશે, તે કહ્યું ” આપણે તમારી કનોને કોઈ વજન રાખ્યા વીના કીનારે હડસેલી જવી પડશે.” ઉમંગ અને તે ભાઈ આ કામમાં જોડાયા. અમારા હલેસાં, અમારો થેલો અને જયને સાચવવાની કઠણ જવાબદારી મારી ઉપર આવી પડી. અમે બે થરથરતા,  માંડ સામાન સાચવતા, નદીની બરાબર વચ્ચે ઉભા રહ્યા.

       ઉમંગ અને પેલા સજ્જન અમારી કનોને સાચવીને કીનારે ખેંચીને લઈ ગયા. ત્યાં પહોંચીને, હતું  તેટલું જોર વાપરી તેમણે કનોને માથાથી યે ઉપર ઉંચી  કરી અને ઉલટાવી. ભરાયેલું પાણી નીકળી ગયું. ખાલી અને તૈયાર થયેલી કનોને પકડીને પેલા સજ્જન ઉભા રહ્યા. ઉમંગ અમારી પાસે આવ્યો અને અમે ત્રણે સાચવીને કનો પાસે પહોંચ્યા. દસેક ફુટ તો જયને તેડવો પણ પડ્યો, કારણકે પાણી તેના માથા જેટલું હતું.

    છેવટે અમે મઝધારમાંથી  કીનારે આવ્યા, અને કનો-નશીન થયા. પેલા સજ્જનનો બહુ જ આભાર માન્યો. તેમણે અમને શીખવાડ્યું કે, કનો ચલાવવાની સાથે નદીના તળની ઉંડાઈ પણ જોતા રહેવું, અને કદી છીછરા પાણીમાં કનોને જવા ન દેવી. અમારી નજીકમાં તેમણે તેમની બન્ને કનો ઠીક ઠીક સમય માટે રાખી. અમને તો તે ભાઈ અને તેમનું કુટુમ્બ સાક્ષાત્ ભગવાન જેવા લાગ્યા.

      અને છેવટે અમારી ટોળીમાંની છેલ્લી કનોને અમે પકડી પાડી. તે લોકોએ તો મજા  કરતાં  કરતાં વીહાર કર્યો હતો.  નદીસ્નાન પણ કર્યું હતું. અમારે તો ત્રણ વાર કમને સ્નાન કરવું પડ્યું હતું ! અમે છેલ્લા મુકામે પહોંચ્યા. કોલમ્બસને ત્રણ મહીને સાલ સાલ્વાડોરની જમીન દેખાઈ હશે, ત્યારે તેને કેવા ભાવ થયા હશે; તેની આછી ઝાંખી અમને પણ થઈ ગઈ! ઉતરીને સીધા રેતમાં ઢગલો થઈને પડ્યા. અમારો જીગરી ક્યાંકથી જય માટે  ફ્રેંચ ફ્રાઈ અને પેપ્સી લઈ આવ્યો – અમારા માટે  પણ. એ  સાવ ઠંડી ફ્રાય પણ જે મજેદાર લાગી છે બાપુ! અને પેપ્સી તો દેવોના સોમરસ જેવી.

     કનોની કમ્પનીવાળાની એક વાન આવી અને અમને પાછા અમારા મુકામે લઈ ગઈ. અમારી બીજી ટોળીઓ તો ક્યારની ય ત્યાં પહોંચી ગઈ હતી. કાકીને બહુ મજા કર્યાનો રીપોર્ટ આપ્યો ! મુકામે ગરમાગરમ પીઝા ખાધા. અને સાંજે પાછા મોટલ પર.

   આમ સૌ સારાં વાનાં થયાં ……… પણ

——————–

ત્રણ વરસે, ઘરની બધી સવલતોની વચ્ચે આ લખતાં સ્વ-ઉપદેશ સુઝે છે કે,

       આ અનુભવ જીવનના અનુભવોની એક નાનીશી પ્રતીકૃતી જેવો નહોતો? જીવનનૌકા ચલાવવામાં ય કેવું કૌશલ્ય જોઈતું હોય છે?   એ નૌકાના બન્ને માલમ એકવાક્યતા ન રાખે, સમજુતીથી કામ ન કરે તો ? 
       વળી જીવનમાં ય છીછરા પાણીની ઘાંચથી, છીછરા લોકોથી, ફસાઈ જવાય તેવા સંજોગોથી દુર જ રહેવું હીતાવહ  નથી?
       નૌકામાં જેમ પાણી ભરાય અને આપત્તી આવી પડે, તેમ કેટકેટલી બીનજરુરી બાબતો, આપણી જીવનયાત્રાને ચગડોળે ચડાવતી હોય છે? એ તો બધું ફેંકી જ દેવું પડે. તો જ કનો થનગને.
      જેમ નૌકા મોટી તેમ તેને વધારે ઉંડું પાણી જોઈએ. મહાસાગર પાર કરવો હોય તો મોટી મનવાર જોઈએ – કનો ના ચાલે. આપણા મનોરથો તો બહુ મોટા હોય, પણ તે માટેના ગજાવાળું આત્મબળ પણ જોઈએ.
     અને સૌથી મોટી વાત તો એ કે, મુશ્કેલીમાં કોઈ તારણહાર, કોઈ હાથ પકડનાર, કોઈ જાણકાર, કોઈ હમદર્દ જોઈએ.

December 4th 2007

કનોઈંગ – એક અનુભવ [ ભાગ -1 ]

       આમ તો આને નૌકાવીહાર નામ આપવા વીચાર થતો હતો. પણ કનોઈંગનો તેમાં ભાવ ન આવે. આપણી ભાશામાં આને માટે કોઈ શબ્દ હોય તો મને તેની ખબર નથી.

       2004નો ઓગસ્ટ મહીનો હતો. હું, મારાં પત્ની, મારો દીકરો ઉમંગ અને મારો હમ્મેશનો સાથીદાર - બાળ ગોઠીયો – અમારી દીકરીનો દીકરો  જય , આમ અમે ત્રણ જણ,  મારા બીજા દીકરા વીહગને ત્યાં થોડા દહાડા રહેવા શીકાગો ગયા હતા.  વીહંગે તેના દોસ્તદારો સાથે વીસ્કોન્સીન રાજ્યમાં આવેલી એક જગ્યાએ સહકુટુમ્બ ફરવા જવાનું ગોઠવ્યું હતું. બે દીવસનું પર્યટન હતું.

    અહીં પહેલા દીવસનો કનોઈંગનો અનુભવ વર્ણવીશ.

—————————————————————

    અમારે  ‘ કનકાકી ‘ નદી પરના બંધની નીચાણવાસની નદીમાં કનોઈંગ કરવાનો કાર્યક્રમ હતો. ‘કનો’ એ હલેસાંથી ચાલતી, સાવ સાંકડી, લાંબી અને માત્ર બે જ જણ માટેની હોડી હોય છે. [ કનો વીશે જાણવા અહીં ‘ક્લીક’ કરો .  ] પાણી બહુ ઉંડું ન હોય ત્યાં જ સામાન્ય જનતાને આવું કનોઈંગ કરવા દેવામાં આવે છે.

    અમે બાર જણા હતા, માટે અમે છ કનો ભાડે લીધી હતી. હું, મારો દીકરો ઉમંગ, અને જય  એક કનોમાં હતા. ( જય પાંચ વરસનો જ  હતો, માટે અમારી સાથે તેને રાખવા  દીધો હતો. ) અમે તો બાપુ! કનો હાંકવા માંડી. બાપ જન્મારામાં કોઈ દી’ હલેસું હાથમાં પકડ્યું હોય તો ફાવે ને? ચાર પાંચ હલેસાં નહીં માર્યા હોય ને, ઉમંગ અને મારા હલેસવામાં કાંઈક વીસંવાદીતા સર્જાઈ. કનોને માઠું લાગ્યું , અને એકબાજુ ઝુકી. અમે સમતોલન જાળવવા અણઘડ ફાંફાં માર્યા, અને કનો ઉંધી! અમે ત્રણે ય પાણીમાં. મારો જીવ તો અધ્ધર. જયને બચાવવા મેં હવાતીયાં માર્યા. તેને તે વખતે તરતાં આવડતું ન હતું. પણ પાણી ઉંડું ન હોવાના કારણે અને બધાએ મને કમને પણ જેકેટ પહેરવા જ પડે તેવો નીયમ હતો, એટલે અમે બચી ગયા. બીજા ચારેક સાથીદારો નજીકમાં જ હતા, તે ઉતરીને અમારી મદદે આવી ગયા. અમારા બચાવકોમાંના એક ઉર્વીશનો તો સેલફોન પણ આમાં અવલમંઝીલ પહોંચી ગયો !  

     બધાએ અમને લાંબું ભાશણ ઠોકી દીધું. થોડી ટ્રેનીંગ પણ આપી. જય શીયાંવીયાં તો થઈ ગયો હતો, પણ ઈ બાપુ તો અમેરીકન બચ્ચું.  તે ગભરાયો કે રડ્યો નહીં કે પાછા ફરવાની જીદ પણ  ન કરી.  અમારી સવારી પાછી ઉપડી. ધીરે ધીરે ચાલ પકડાઈ. હલેસવાનો લય પકડાયો – તાનપુરાના તારની જેમ.

      થોડેક આગળ અમે ગયા.  પેલા અમારા સહાયકો પણ અમારી કાર્યક્ષમતા માટે ખુશ જણાયા. અને આપણે તો બાપુ! તાનમાં આવી ગયા. માંહ્યલો શાયર જાગી ગયો અને ઓલ્યાઓને શાયરી સુણાવી દીધી -

નથી કોઈ પણ માર્ગદર્શક અમારો,
નથી ક્યાંય પણ કોઈ મંઝિલ અમારી,
મુસીબત ઉઠાવી ફકત મોજ ખાતર,
અમારી અદાથી સફર કોણ કરશે.
- ‘ શૂન્ય’ પાલનપુરી

     અને સાહેબ, શું દાદ મળી છે ! ’શુન્ય’ને પણ મુશાયરામાં નહીં મળી હોય તેવી! અમે બે ય ઉત્સાહમાં આવી ગયા. જોરથી હલેસાં મારવા લાગી ગયા, અને આગળ જતી રહેલી કનોને પકડી પાડવા કમર કસી. ( કે બાવડાં! ) પણ કનો તો ડાબે જાય અને જમણે જાય – વાંકી ચુંકી. ધીરે ધીરે દીશાનું ભાન થવા માંડ્યું. ઉમંગ અમારી કનોનો કપ્તાન નીમાયો, અને હું ખલાસી. જય મહામુલો પેસેન્જર.   હવે તો અમારી જીવન-કનો હાલી.

       બધા મીત્રો તો પોતપોતાની જીવનસખીઓના સાથમાં એટલા મશગુલ બની ગયા હતા કે, અમે તેમનાથી ખાસ્સા છેટા પડી ગયા. અને ફરી પાછી કાંઈ ગડબડ થઈ. ઉમંગલાલાએ કપ્તાનીની ખુમારીમાં મને કાંઈક સુચના આપી અને હું કાંઈક બીજું જ સમજ્યો. અખાના છપ્પા -  ‘ આંખનું કાજળ ગાલે ઘસ્યું. ‘   જેવું કાંઈક થયું! અને ફરી પાછી અમારે કનો રીસાણી. અમે માંડ સુકાયેલા તે ફરી પાછા ભીંજાણા. પણ નહીં ડુબવાની આવડત અમારા ત્રણેમાં આવી ગયેલી, તે ટપ્પાક દઈને ઉભા થઈ ગયા. શું અમારી બહાદુરી! ( પાણી ત્રણ ફુટ ઉંડું હતું  તો ય ! ) પણ કનોનું શું કરવું? જયને સરી જતા હલેસાં પકડાવ્યા, અને અમે બે જણ ટ્રેનીંગ મુજબ કનોમાંથી પાણી બહાર કાઢવાના દુશ્કર કાર્યમાં પરોવાયા. એક બાજુથી કાઢીએ તો બીજી બાજુ ફરી પાણી ભરાય.        

        અમને આ મુસીબત વહોરવા માટે સ્મશાન વૈરાગ્ય આવવા માંડ્યો. ખેર! જેમ તેમ કરીને થોડાક જ ભરાયેલા(!)  પાણી સાથે કનો સીધી તો થઈ. અમે એકબીજાને કસમ દીધા કે, પાછા જઈએ ત્યારે મારાં પત્નીને આ કોઈ વાત કરવાની નથી. ( તે શાણી બાઈ તો કનોઈંગનું વર્ણન સાંભળીને જ, ‘ મને આવું બધું ન ફાવે. ‘ તેવા શાણા નીર્ણય પર આવી, કાર પાર્કીંગની બાજુમાં આવેલા સરસ મજાના પાર્કમાં ખાસ્સા દેશી નાસ્તા અને પીણાં સાથે રહી ગઈ  હતી ! ) જયને ય ‘બા’ને આ બધી વાત ન કરવાનું બરાબર ઠસાવ્યું. કેન્ડીની લાલચ પણ આપી દીધી!     

          હવે અમારી કનો-હલેસણ-કલામાં પુખ્તતા આવવા માંડી. નહીં સમજાયેલા કનો-સત્યો સમજાવા માંડ્યા !   હલેસાંની પછડાટ સાથે અમારા શ્વાસની જુગલબંધી સધાવા માંડી. કેવળ જ્ઞાન લાધ્યું. અને અમારી કનો ડાહી ડમરી બની તીરવેગે ચાલવા માંડી. અડધોએક કલાક તો નીર્વીઘ્ને પસાર થઈ ગયા. પણ બધા સાથીઓ તો ક્યાંના ક્યાં ય આગળ નીકળી ગયા હતા. અમે આખી કનકાકીમાં કાકી વીના એકલા હતા.      

          ત્યાં સાવ છીછરો પટ આવી ગયો. કનો ફસાઈ. અમે તેને પ્રવાહમાં પાછી લાવવા મરણીયા પ્રયત્નો આદર્યા. અને બાપુ, તે તો ફરી ઉંધી વળી. જયને ય ઘુંટણ સુધી જ આવે તેટલું પાણી હતું. હલેસાં અમારાથી કંટાળીને ફારગતી આપવાના મુડમાં, વારે ઘડીએ તણાવાની કોશીશ કરતા હતા. સામાન પણ.   આ બધું સાચવવાનું અને કનોમાંથી પાણી કાઢવાનું. અને કનોમાં પણ ખાસ્સું પાણી આ વખતે ભરાયું હતું. કેમે ય કરીને પાણી ખાલી થાય જ નહીં. ઉલટાનું વધારે ભરાણું! પટમાં નજીકમાં બીજું કોઈ જ નહીં. ઉપર આકાશ અને નીચે પાણી. 

     ’  કોઈ હમદમ ન મીલા, કોઈ સહારા ન રહા.
       હમ કીસીકે ન રહે, કોઈ હમારા ન રહા.
‘ 
       

        જો થઈ છે !   

——————————————————————— 

………….   વધુ આવતા અંકે.

December 3rd 2007

એ.સી.એસ.આર. – એક અવલોકન

એ.સી.એસ.આર.
         આ સંક્ષીપ્ત નામ મારા જુના વ્યવસાયમાં સંકળાયેલા લોકોને તો સાવ પરીચીત છે, પણ ઘણાને તેની ખબર નહીં હોય. પાવર લાઈનમાં બહુ જ વપરાતો વાયરોનો આ એક પ્રકાર છે. તેમાં અંદરના ભાગમાં પોલાદ( સ્ટીલ) અને બહારના ભાગમાં એલ્યુમીનીયમ વપરાય છે. અંદર રહેલા પોલાદના વાયરો તેને ખેંચાણની તાકાત આપે છે, જ્યારે વીજ પ્રવાહ મોટેભાગે બહાર રાખેલા એલ્યુમીનીયમના વાયરોમાંથી પસાર થાય છે.

—————————————————–

હાથીના દાંત ચાવવાના જુદા અને દેખાડવાના જુદા?!

કે પછી…..

वज्रादपि कठोराणि, मृदूनि कुसुमादपि
तथैव सुमनसां वृत्ति:, वामदक्षिणयोरिव॥

[ ડાબા અને જમણા પાસાંની જેમ સજ્જનોનાં મન અલગ અલગ પાસાં ધરાવતાં હોય છે.
તેમનાં મન વજ્રથી પણ કઠોર અને ફુલથી પણ કોમળ હોય છે. ]

આવી ઉપમા વાપરીને કવીતા બનાવી હોય તો?

December 2nd 2007

સ્વપ્નજગત

આજે જલદી ઉંઘ ન આવતાં, ઘણા વરસો પહેલાં વાંચેલી અંગ્રેજીના સુપ્રસીદ્ધ લેખક એચ.જી. વેલ્સની એક વાર્તા યાદ આવી ગઈ.

——————————-

         વાર્તાનો નાયક ‘જેક’ એક અનોખી વ્યથામાં ફસાયેલો છે. તે અમેરીકામાં રહે છે. તેને સુશીલ પત્ની અને એક બાળક છે. સુખેથી બધા રહે છે. સંસારમાં કોઈ જ પ્રશ્ન નથી. રોજ રાતે તે સુવે છે, અને તરત જ તે બીજી દુનીયામાં ઉઠી જાય છે. તેનો આ સંસાર ભારતમાં હોય છે. તે દુનીયામાં તે એક પ્રેમી છે અને એક યુવતીના ગાઢ પ્રેમમાં છે. જીવનની નવી જ ઘટનાઓ આ બીજા વાતાવરણમાં શરુ થઈ જાય છે. મધુરા ભાવી લગ્નજીવનની આશામાં તે ત્યાં રાત પડતાં સુઈ જાય છે. અને પાછો અમેરીકાની સવારમાં આ પરીણીત સંસારમાં ઉઠી જાય છે.

    આ ક્રમ મહીનાઓ સુધી ચાલે છે. અને ખુબી એ કે, કોઈ પણ એક સંસારમાં તેને બીજા સંસારની કોઈ જ યાદ આવતી નથી. આમ તેના બે જીવન એકસાથે સમાંતર વાર્તાની જેમ ચાલ્યા કરે છે……. કોઈ તકલીફ વીના.    

   પણ એક રાતે બીજા આભાસી જીવનમાં કોઈ ખરાબ ઘટના ઘટતાં તે ઝબકીને જાગી જાય છે. જુએ છે તો તે અમેરીકામાં ગોરી પત્નીની સાથે સુતેલો છે. પણ તેના માનસમાં સ્મૃતી તો ભારતની ઘટનાઓની જ હોય છે. ભારતીય પ્રેમીકાને છેહ દીધાની ગુનાની લાગણી તેને ઘેરી વળે છે, અને તે આપઘાત કરી પોતાના જીવનનો અંત આણે છે.

———-

બહુ ટુંકાણમાં જ આ વાર્તા યાદ રહી છે, પણ ……

          આ વાર્તા વાંચતાં તરત જ એવો ભાવ આપણા માનસમાં આવ્યા વગર રહેતો નથી કે, ” શુ આપણી જીંદગી પણ આમ સ્વપ્નવત્ નથી ? આપણે જે જીવન જીવી રહ્યા છીએ તે ખરેખર સત્ય છે, કે એક સ્વપ્ન માત્ર? આપણું સાચું ઘર અને સંસાર બીજે જ ક્યાંક નથી વારુ?”

         મને તે વાર્તાનું નામ યાદ નથી, પણ ખરેખર ચોટદાર અને સાવ અલગ કથાવસ્તુવાળી એ વાર્તા છે.    

December 1st 2007

જેટનો ધુમાડો – એક અવલોકન

     મને વાદળો જોવાં બહુ ગમે. જાતજાતના આકાર તેમાં કલ્પી શકાય. એક દીવસ ઉનાળાની ધોમધખતી બપોરે થોડાં વાદળો આકાશમાં હતાં. એક વાદળની ઉપર થઈને પસાર થઈ ગયેલા જેટ વીમાનનો ધુમાડો દેખાતો હતો. લાંબો લીસોટો, અને નીચે ઠીક ઠીક મોટું વાદળું. જાણે અલાદ્દીનના ચીરાગમાંથી અગરબતીની ધુમ્રસેર નીકળતી હતી. આ દ્રશ્ય આમ તો ઘણી વાર જોયું હતું ,

પણ …..

 ———————————————————

         મીનીટથીયે ઓછા સમય પહેલાં આ ધુમાડાનો આગળનો ભાગ એક અત્યંત ગરમ, બળબળતો અને અત્યંત દબાણવાળો વાયુ હશે. તેની થોડી જ સેકન્ડ પહેલાં તો તે પ્રવાહી બળતણ જ હતું. જ્યારે એ ધુમાડો જેટ એંજીનની અંદર હતો ત્યારે તેનામાં કેટલી તાકાત હતી? આટલા વજનવાળા જેટ વીમાનને ધક્કો મારી શકે તેટલી તાકાત. અને હવે તો તે સાવ નીર્વીર્ય થઈ ગયો હતો – ધોળો બખ્ખ, નીસ્તેજ. એ ઉંચાઈએ વાતાવરણની ઠંડીના કારણે તેમાં બધા જલબીંદુઓ હીમકણોમાં કદાચ ફેરવાઈ ગયા હતા. અને સાવ શાંત લાગતા પ્રવાહી બળતણમાં ભરેલી શક્તી દેખાતી હોય છે?

        આપણી અંદર પણ શક્તીનો આવો અખુટ ખજાનો ભરેલો છે. માત્ર તેને વાપરી શકે તેવા કોઈ એન્જીનની જ આપણને જરુર હોય છે. અને એ એન્જીન છે – સંકલ્પનું બળ.