આદુ કચરતાં – એક અવલોકન
અહીં દરરોજ ચા બનાવવાનું મારું કામ. અને મને તે ગમે પણ ખરું હોં! છ વર્શમાં મારો હાથ પણ સારો એવો બેસી ગયો છે. એકધારી ‘સુરેશ જાની ‘ બ્રાન્ડ ચા બને! હું ચામાં કચરેલું આદુ અને ઇલાયચી નાંખું છું. ઈલાયચીનો પાવડર તો મારાં પત્નીએ તૈયાર રાખેલો હોય છે; પણ આદુ કચરવાની મારી આગવી શૈલી છે! હું આદુને ચપ્પુથી સમારી પાતળી ચીરીઓ કરું; અને પછી સાંડસીથી કચરી, ગરમ થતા પાણીમાં નાંખું. દીવસમાં બે કે ત્રણ વાર ચા બને. દરેક વખતે આદુ કચરવાની આ જ રીત.
લે કર વાત! આમાં શી ધાડ મારી?
———————————————–
પણ તે દીવસે આદુ કચરતાં વીચારવાયુ ઉભરાયો! મને થયું : ‘આ આદુને કચરું છું તેના કરતાં બેકયાર્ડમાં પોચી માટીની સરસ ક્યારી બનાવી, તેમાં ખાતર નાંખી, રોપું તો કેવો સરસ મઝાનો છોડ થાય ? અને બે ત્રણ મહીનામાં તો ખાસ્સા નવા આદુ પણ મળે. મહામુલા ડોલરની કેવી બચત થાય?
વાપરવું સહેલ છે, સંવર્ધન કરવું જ કઠણ છે. પણ સંવર્ધનથી જ નવરચના થાય છે ને ?
અને આ નીર્જીવ લાગતા આદુમાં ય બચાડો કોઈ જીવ તો છે જ ને? આ સુક્ષ્મ હીંસા જ કરી ને ? રસોડામાં બધી સામગ્રી પર નજર નાંખી તો એક માત્ર મીઠું જ નીર્જીવ ચીજ જણાયું. અને તે ય જ્યારે અગરમાં બન્યું હશે, ત્યારે ભરતી સાથે આવી ગયેલા પાણીની સાથે કેટલા ય દરીયાઈ જીવ પણ ફસાયા જ હશે ને? એ બધાની આહુતી આપ્યા વગર આ મીઠું ય બની શકે ખરું?
આ દુધ વાપરીએ છીએ, તે ય શું સાચે સાચ અહીંસક છે? કોને માટે કેવા અગમ્ય પ્રેમથી પ્રકૃતીએ તે બનાવ્યું, અને કોણ તે વાપરે છે?
શું જીવનના પાયામાં જ હીંસા છે? કેવળ અહીંસા શક્ય છે ખરી?



