November 30th 2007

રોલર કોસ્ટર – એક અવલોકન

      અમારે ત્યાં આર્લીંગ્ટનમાં છ- વાવટા ( Six Flags !) રોલર કોસ્ટર રાઈડની મજા આપતી કમ્પની છે. એક જ વાર અને તે પણ, એક નાના જ રોલર કોસ્ટરમાં બેઠો હતો. ફરી બેસવાની હીમ્મત રહી નથી !

     ધીરે ધીરે તેની ટ્રેન આપણને ઉપર લઈ જાય અને પછી, કોઈ બ્રેક વગર આખી ટ્રેન પાટા પરથી સરકાવી દે. પુરઝડપે આપણે પડતા જ જઈએ. વળી પાછા ઉપર ચડીએ. ગોળ ઘુમરીઓ પણ ખવડાવે. પણ છેવટે તો હતાં ત્યાંના ત્યાં પહોંચી જવું પડે.

——————————–

    આ જીવન પણ એક રોલર કોસ્ટર જ નથી? ઉપર ચઢવાનું બહુ ધીરે થાય છે. પણ … ઉતરાણ, ક્ષણીક ચઢાણ, ઘુમરીઓ એ તો બહુ ઝડપથી, વીના કોઈ પ્રયત્ને થતાં હોય છે. અને તે અનુભવ કાળજાને કોરી નાંખે છે, વલોવી નાંખે છે. એક ક્ષણ માટે ઉપર ચઢ્યા, ન ચઢ્યા અને પાછા ઉતરવું જ પડે. એ વીહંગમ દ્રશ્ય સતત તો શું, માણી શકાય તેટલી વાર પણ રહી શકતું નથી.

    અને છેવટે તો મુળ ઘેર પાછા જવું જ પડે છે. ત્યાં કોઈ ગતી નથી- કોઈ ચઢવા- ઉતરવાનું નથી. અને આપણું તે જ તો કાયમી ઘર છે. ભારતીય દર્શનો પ્રમાણે, ફરી એ લ્હાવો લેવો હોય તો ફરી જન્મની ટીકીટ લેવી પડે છે!

       પણ જે બાળક છે, કે બાળકની જેમ રહી શકે છે, તે તો આ ચઢવા- ઉતરવાને પણ, તેની પ્રત્યેક ક્ષણને માણે છે. કાશ ! આપણે આખુંય આયખું બાળકની જેમ આ રોલર કોસ્ટરને, આ ચકરાવાને માણી શકીએ.

November 29th 2007

આદુ કચરતાં – એક અવલોકન

      અહીં દરરોજ ચા બનાવવાનું મારું કામ. અને મને તે ગમે પણ ખરું હોં!  છ વર્શમાં મારો હાથ પણ સારો એવો બેસી ગયો છે. એકધારી ‘સુરેશ જાની ‘ બ્રાન્ડ ચા બને! હું ચામાં કચરેલું આદુ અને ઇલાયચી નાંખું છું. ઈલાયચીનો પાવડર તો મારાં પત્નીએ તૈયાર રાખેલો હોય છે;  પણ આદુ કચરવાની મારી આગવી શૈલી છે! હું આદુને ચપ્પુથી સમારી પાતળી ચીરીઓ કરું; અને પછી સાંડસીથી કચરી, ગરમ થતા પાણીમાં નાંખું. દીવસમાં બે કે ત્રણ વાર ચા બને. દરેક વખતે આદુ કચરવાની આ જ રીત.

      લે કર વાત! આમાં શી ધાડ મારી?

———————————————–

    પણ તે દીવસે આદુ કચરતાં વીચારવાયુ ઉભરાયો! મને થયું : ‘આ આદુને કચરું છું તેના કરતાં બેકયાર્ડમાં પોચી માટીની સરસ ક્યારી બનાવી, તેમાં ખાતર નાંખી, રોપું તો કેવો સરસ મઝાનો છોડ થાય ? અને બે ત્રણ મહીનામાં તો ખાસ્સા નવા આદુ પણ મળે. મહામુલા ડોલરની કેવી બચત થાય?

     વાપરવું સહેલ છે, સંવર્ધન કરવું જ કઠણ છે. પણ સંવર્ધનથી જ નવરચના થાય છે ને ? 

     અને આ નીર્જીવ લાગતા આદુમાં ય બચાડો કોઈ જીવ તો છે જ ને? આ સુક્ષ્મ હીંસા જ કરી ને ? રસોડામાં બધી સામગ્રી પર નજર નાંખી તો એક માત્ર મીઠું જ નીર્જીવ ચીજ જણાયું. અને તે ય જ્યારે અગરમાં બન્યું હશે, ત્યારે ભરતી સાથે આવી ગયેલા પાણીની સાથે કેટલા ય દરીયાઈ જીવ પણ ફસાયા જ હશે ને? એ બધાની આહુતી આપ્યા વગર આ મીઠું ય બની શકે ખરું?

      આ દુધ વાપરીએ છીએ, તે ય શું સાચે સાચ અહીંસક છે? કોને માટે કેવા અગમ્ય પ્રેમથી પ્રકૃતીએ તે બનાવ્યું, અને કોણ તે વાપરે છે?

      શું જીવનના પાયામાં જ હીંસા છે? કેવળ અહીંસા શક્ય છે ખરી?  

November 28th 2007

ચાલુ દીવસની સવાર – કેનેડામાં

     સવારના સાડા છનો સુમાર હતો.. બેબીને જોબ પર જતાં પહેલાં નાસ્તો કરવાની ઉતાવળ હતી ( મારી દીકરી સ્તો!). જમાઈ બીચારા ચીંતામાં હતા, તેમના મોજાં જડતાં ન હતા. બાબલાનું રમકડું ખોવાયું હતું તે માટે ચીંતાતુર હતો. બાબલો ( બેબીનો જ તો! ) આ બધી ધમાલથી છટકવાના ઈરાદે બોલ્યો ” નાના! તમે પ્રાણાયમનું કહેતા હતા, તે મને શીખવાડો ને ! ”  હજુ ગઈ કાલે તો મારા રીટાયર થયા બાદ અમે અમદાવાદથી ઓટાવા બેબીને ઘેર આવ્યા હતા. મને શુર ચડ્યું. ચાલ બાબાને ભારતીય સંસ્કૃતીનો પહેલો પાઠ આપવાનું આજથી જ શરુ કરી દઈએ.

       મેં મારી ‘એ’ ને કહ્યું – “ ચાલ ઘરની બહાર ઓટલા પર પ્રાણાયમ કરીએ. ચાલ, બાબલા! મઝા પડશે.” બાબલો આ નવા સાહસની શક્યતાથી ઉત્સાહમાં આવી તૈયાર થઇ ગયો. મારાં પત્ની પણ બહાર આવી ગયાં. અમે પ્રાણાયમ શરુ કર્યા. થોડી વારે જમાઇ દરવાજામાંથી બહાર આવ્યા અને બારણું લોક કરીને વીદાય થયા. પાંચ મિનીટમાં બેબી પણ ગેરેજમાંથી ગાડી કાઢીને અમને ‘બાય’ કહીને વીદાય થઈ.

          કેનેડીયન ઘરની બંધીયાર હવામાં નહીં પણ, બહારની શુદ્ધ્ હવામાં કસરત અને પ્રાણાયમ કરીએ, તો તબીયત કેવી બને તેવું મારું ભાષણ બાબલો ધ્યાનપુર્વક સાંભળતો હતો અને, મારી ચાર મણની કાયાને અને ખાસ તો તેના શણગાર રુપ નાનાના પેટને જોવાની મઝા માણતો હતો. મારાં પત્ની એક ચીત્તે તેમની નમણી કાયા પાછલી ઉમ્મરમા પણ સોળ વર્ષની કન્યા જેવી રહી શકશે તેના ઉત્સાહમાં બરાબર કસરત-રસ્ત હતા.

       “ હવે ચાલો ઘરમાં જઈએ.” થાકેલા સ્વરે હું બોલ્યો. આખા લશ્કરે ઘરના બારણાં ભણી વીજયયાત્રા આરંભી. બાબલો સૌથી આગળ. પેલું ખોવાયેલું રમકડું હવે પાછું યાદ આવ્યું હતું, તે મળશે એ આશાએ.

        પણ, બારણું તો બંધ! વળી ઘરમાં તો કોઈ જ નહીં. આ સાવ અવનવા દેશનાં બારણાં પણ કેવાં ? ઓટોમેટીક તાળું વસાઈ જાય. ક્યાં તો અંદરથી ખોલો, અથવા ચાવી હોય તો ખોલીને અંદર જાઓ.

        હવે શ્રીમતીજીના સોળ સાલની સુંદરી થવાના સપનાંઓ પર પાણી રેડાઈ ગયું.” તમને આવા ચાળા સુઝે છે. હવે શું થશે? “ તેઓ વદ્યાં.

         હું તો હતપ્રભ જ થઇ ગયો હતો. નોકરી કરતો હતો ત્યારે ય આવા ધર્મસંકટમાં કદી પડ્યો ન હતો. મેડમનો કકળાટ ચાલુ જ હતો. હવે કરવું શું? પાસે ફોન પણ નહીં. અને કોઇ આડોશી પડોશી પણ દેખાય નહીં. બધાનાં બારણાં બંધ. અને સાવ અજાણ્યાના ઘેર જવાય પણ શી રીતે? અને પાછી ધોળા લોકોની વધારે પડતી શીસ્ત! આપણે તો બાપુ જબરા હલવાણા!

           પણ આ કેનેડામાં ઉછરતી નવી પેઢી સ્માર્ટ ઘણી હોં ! પોયરાના તરોતાજા દીમાગમાં ઝબકારો થયો. તે કહે “ મારી બેબી-સીટર સાવ નજીકમાં રહે છે. ચાલો નાના! ત્યાં જઈને મમ્મીને ફોન કરીએ.”

             અમારું લશ્કર તો ઉપડ્યું – બેબી-સીટરને ઘેર. બાબલો અને નાની તો કંઇક વ્યવસ્થીત પોશાકમાં હતા, પણ બંદા તો ચડ્ડી – બનીયનધારી !! અને ત્રણે ય ખુદાબક્ષો અમદાવાદી હોલબુટમાં, એટલે કે ખુલ્લા પગે!  બધું હાઉસન જાઉસન તો ચાલ્યું. આગળ આ નવા સાહસથી ઉત્સાહમાં આવી ગયેલો, અને આટલા મોટ્ટા માણસોના ગાઈડ થવાની, અણધારી બઢતી મળ્યાની તકથી ઉછળતો બાબલો, પાછળ ચીંતાગ્રસ્ત વદને, પણ થોડા ક્ષોભવાળા ચહેરે હું અને સૌથી પાછળ ફ્યુઝ ઉડી ગયેલી નાની.

        રસ્તામાં સ્વાસ્થ્ય માટે બહુ સભાન અને સવારના પહોરમાં ચાલવા નીકળેલા કેનેડીયનો, વીસ્ફારીત નજરે અમને નીહાળી રહ્યા હતા. અમે તો મીંયાની મીંદડીની જેમ નજર નીચી કરીને ધસમસતા હતા. ક્યારે બેબી-સીટર બેનશ્રીનું ઘર આવે અને અમારા આ ધર્મસંકટનો અંત આવે?

         એટલું સારું હતું કે બાબલો સૌથી વધારે મુડમાં હતો . જો રડતો હોત તો, કોઇ શીશુ-સાથી , પરોપકારી સજ્જનની કૃપાથી અમે પોલીસથાણે પણ પહોંચી ગયા હોત – આ અવનવા દેશમાં !

         છેવટે અમે ત્યાં પહોંચ્યા. પેલાં બહેન તો અમારા દીદાર જોઇને ડઘાઈ જ ગયા. પણ મામલો સમજાવતાં થાળે પડ્યો. દીકરી સાથે વાત થઈ ગઈ અને પંદરેક મીનીટમાં તે આવી પણ ગઈ, અને અમને યથાસ્થાને પાછા સુખરુપ ગોઠવી દીધા. ઘટનાનું પુનરાવર્તન ન થાય તે શુભાશયથી , સાંજે અમને ચાવીની બીજી કોપી પણ મળી ગઇ !

        પણ એ અડધોએક કલાકની કેનેડાની પહેલી સવાર જીંદગીભર યાદ રહી જશે.

[ એક મીત્રની આપવીતી પર આધારીત સત્યકથા ]

November 27th 2007

ગુજરાતનું પહેલું અંદાજપત્ર

તારીખ – 23 – જુન – 1960

સ્થળ – કામચલાઉ વીધાનસભા, અમદાવાદ

મુખ્ય પ્રધાન/ નાણાં પ્રધાન – ડો. જીવરાજ મહેતા

————————————————————

         લાકડીનો ટેકો અને આજુબાજુ બે ડોકટરો સાથે 74 વર્શના મુખ્ય પ્રધાન વીધાનસભામાં પ્રવેશે છે. રોજ તેમના પ્રીય ધોતીયાના સ્થાને પાટલુન પહેરવું પડ્યું છે. સચીવાલયમાં યુવાનને શરમાવે તેવી ધસમસતી ચાલને બદલે તાવથી ધગધગતી અને લથડતી કાયા છે. 45 મીનીટ ભાશણ કરી પહેલું અંદાજપત્ર રજુ કરે છે.

     પાછા વળતાં ચાલવાની હામ નથી.  પત્ની શ્રીમતી હંસાબેન અને ડોક્ટરોના સહારે વીધાનસભાની બહાર રાખેલી વ્હીલચેર સુધી માંડ પહોંચે છે, અને ઢગલો થઇને તેમાં ઢળી પડે છે.

——————————————————————

     આ હતી એ પ્રખર ગાંધીવાદી, સક્ષમ વહીવટકર્તા અને ધ્યેયલક્ષી અને સાધનશુધ્ધીના આગ્રહી વ્યક્તીની કર્તવ્યનીશ્ઠા. આજે એકવીસમી સદીમાં અનેક સુવીધાઓ છે, પણ એ કર્તવ્યનીશ્ઠા ક્યાં?

November 26th 2007

એક સ્વાનુભવ

        સવારના દસેક વાગ્યા હશે. હું એક ભારતીય ગ્રોસરી સ્ટોરના પાર્કીંગમાં સ્ટોર ખુલવાની રાહ જોઇને બેઠો હતો. ગાડીમાં બેસીને મારા ગમતા પુસ્તક  ‘વીણેલાં ફુલ’  ના એક ભાગની વાર્તા વાંચી રહ્યો હતો. વાર્તા બહુ જ કરુણ હતી. સમાજના કહેવાતા ઉજળીયાત અને ઉચ્ચ લોકોની લઘુતાનું વર્ણન હતું. અને સામાજીક રીતે સાવ નાના માણસની માણસાઇ ઉજાગર થતી હતી.

       વાર્તાના કથાવસ્તુથી મન ક્ષુબ્ધ થઇ ગયું હતું. ત્યાં મેં સ્ટોરના બારણે બે ત્રણ લોકોની હીલચાલ જોઇ. હવે સ્ટોર ખુલશે એ આશાએ મેં ગાડીનું બારણું લોક કર્યું અને સ્ટોર તરફ જવા નીકળ્યો. તરત જ ખબર પડી કે ચાવી તો ગાડીની અંદર જ રહી ગઇ હતી. બધા બારણા ખટખટાવી જોયા. પણ બધા બરાબર બંધ હતા. મારું રહેઠાણ 26 માઇલ દુર હતું. હવે?    

     પેલા ઉભેલા ભાઇઓ પાસે પહોંચ્યો. મારી વીતક સમજાવી. તેમાંના એક, મેક્સીકોના ડેનીયલે કહ્યું ” ચીંતા ન કરો. કદાચ હું તમને મદદ કરી શકીશ.” બાજુના એક નાના સ્ટોરમાં જઇ કપડાં લટકાવવાનું હેન્ગર અમે લઇ આવ્યા. દ્સેક મીનીટની મથામણ બાદ ડેનીયલે ચાવી કાઢી આપી.

    કઇ રીતે ચાવી નીકળી તે અગત્યનું નથી, પણ ડેનીયલે અમારી વાતચીત દરમીયાન કહેલા શબ્દો મારા ચીત્તમાં વજ્રલેપ થઇ ગયા છે.

      ડેનીયલે અમેરીકન લશ્કરમાં કામ કરેલું હતું અને વીયેટનામ યુધ્ધની ભયાનકતાઓ અનુભવેલી હતી. તેણે કહ્યું હતું ” મુશ્કેલી તો જીવનમાં આવે. પણ એ વખતે કદી આશા ન છોડવી અને ધીરજ રાખવી. પરીસ્થીતી જ આપણને ઉકેલ બતાવી દેતી હોય છે -  આપણે આંખ અને કાન ખુલ્લા રાખીએ અને મનને વીક્ષુબ્ધ ન થવા દઇએ તો. “

November 26th 2007

સમાચાર

     આજ તારીખ 26 નવેમ્બર- 2007 થી મને ગમતા, મારા લેખો અહીં નવી જોડણીમાં પ્રસીદ્ધ કરવામાં આવશે.